top of page

સુરેન્દ્રનગર જિલ્લામાં 'વિશ્વાસ થી વિકાસ' યાત્રા કાર્યક્રમમાં રૂ.37 કરોડથી વધુના વિકાસકામોનું

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં 'વિશ્વાસ થી વિકાસ' યાત્રા કાર્યક્રમમાં રૂ.37 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાશે


તા.12મી સપ્ટેમ્બરે પ્રાંત કક્ષાના કાર્યક્રમો અને તા.13મી સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ આનંદભુવન ખાતે જિલ્લા કક્ષાનો 'વિશ્વાસ થી વિકાસ' યાત્રા કાર્યક્રમ યોજાશે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાશે

  • રૂ. 37 કરોડથી વધુના વિકાસકામોનાં ઈ લોકાર્પણ અને ઈ ખાતમુર્હુત કરવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના હેતુથી રાજ્યભરમાં તા.12 થી 13 સપ્ટેમ્બર સુધી વિશ્વાસથી વિકાસયાત્રા યોજાશે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાશે.


તા.13મી સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વઢવાણ આનંદભુવન ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જ્યારે તા.12મી સપ્ટેમ્બરે પ્રાંત કક્ષાનો કાર્યક્રમો યોજાશે. જેમાં પાટડી પ્રાંતમાં કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, વઢવાણ પ્રાંતમાં ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, ધાંગધ્રા પ્રાંતમાં ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સાબરીયા, લિંબડી પ્રાંતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બબુબેન પાંચાણી, ચોટીલા પ્રાંતમાં ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર અને ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખસુશ્રી ભાવનાબેન કુકડીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમો યોજાશે.


સુરેન્દ્રનગર જિલ્લામાં ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત રૂ.5.86 કરોડના બે કામોના ઈ-લોકાર્પણ તથા રૂપિયા 31.48 કરોડના 8 કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવશે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રૂપિયા 5 કરોડના ખર્ચે 66 કેવી સબ સ્ટેશન તેમજ મુળી તાલુકાના નાડધ્રી ગામે રૂ.5 કરોડના ખર્ચે 66 કેવી સબ સ્ટેશન એમ જિલ્લામાં કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે બે 66 કેવી સબ સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.


બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત જિલ્લામાં રૂપિયા રૂ.4.67 કરોડના ખર્ચે નવનિર્મિત 2 એસ.ટી બસ સ્ટેન્ડ ચોટીલા (હાઇવેની બંને બાજુ) અને રૂ.1.69 કરોડના ખર્ચે થાનગઢ એસ.ટી બસ સ્ટેન્ડનું ઈ-ખાતમુહૂર્ત, શહેરી વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લામાં રૂ.1.76 કરોડના ખર્ચે થાનગઢ નગરપાલિકા વિસ્તારના 27 સ્થળોએ સી.સી.રોડના કામ અને રૂ.1.6 કરોડના ખર્ચે ધ્રાંગધ્રા શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ પાણીના પંપના કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.


શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લામાં રૂ.3.41 કરોડના ખર્ચે નવનિર્મિત મુળી તાલુકામાં કુંતલપુર માધ્યમિક શાળાનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી અમદાવાદ અંતર્ગત જિલ્લામાં રૂ.8.81 કરોડના ખર્ચે પાટડી શહેરમાં પાણી પુરવઠાના કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત જિલ્લામાં રૂપિયા 5.40 કરોડના ખર્ચે લીંબડી તાલુકાના સૌકા-લીયાદ રોડ પુલના બાંધકામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


શક્તિ મુંધવા


Comments


bottom of page