top of page

Surendranagar News : સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ

Updated: Oct 30, 2022

Surendranagar News : સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ


કૌશલ્ય તાલીમને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા "કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીને" મંજૂરી આપવામાં આવી છે

એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે એક લાખથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવે છે

:-કેન્દ્રિય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા


  • રૂ.35 કરોડથી વધુનાં ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું થયું છે નિર્માણ

કેન્દ્રિય આયુષમંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને આજે સુરેન્દ્રનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે 1985માં શ્રી એમ.પી.શાહ દ્વારા આ જગ્યાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે દાનમાં આપી સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2001માં આવેલ ભૂકંપમાં બિલ્ડીંગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થતા તાલીમ સંસ્થા માટે નવા ભવનની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ.35 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના થકી જિલ્લાના તાલીમાર્થીઓ માટે તાલીમની સુવિધાઓમાં વધારો થશે અને આધુનિક તાલીમ મળશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના યુવાનોને વિવિઘ કૌશલ્યોની તાલીમ આપીને, 21મી સદીમાં સ્કિલ ગેપમાં ઘટાડો કરી કૌશલ્ય તાલીમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા "કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીને" મંજૂરી આપવામાં આવી છે. જેમાં આધુનિક સમયની માંગ અનુસાર ડીગ્રી કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. રાજ્યમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે એક લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ તાલીમ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી તાલીમ યોજના હેઠળ ભવિષ્યમાં જે ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે

તેવા ક્ષેત્રોના નવા અભ્યાસક્રમો આઈ.ટી.આઈમાં ચાલુ કરવામાં આવનાર છે. જેમાં સોલર રૂફટોપ, ઇલેક્ટ્રીક વ્હીકલ તેમજ ડ્રોન ટેકનોલોજીને લગતા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દેશમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવા સતત કાર્યશીલ છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ ડબલ એન્જિન સરકાર જે કામોના ખાતમુર્હુત કરે છે એ જ કામોના લોકાર્પણ પણ કરે છે તેમ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ થકી તાલીમ મેળવી તાલીમાર્થીઓ સરકારી કે ખાનગી ક્ષેત્રે સ્વરોજગારી પ્રાપ્ત કરી રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર સતત પ્રયાસરત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકારશ્રી તરફથી અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ જિલ્લાને નવી આયુર્વેદ કોલેજની ભેટ મળી છે. સરકારશ્રી તરફથી નવી કેન્દ્રીય વિદ્યાલય પણ આપવામાં આવી છે અને આજે આઈ.ટી.આઈ.ના નવા ભવનના લોકાર્પણ થકી જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધુ બહેતર બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રૂ.35 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધા યુક્ત બહુમાળી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવનમાં ફુલ 51 વર્કશોપ, 36 ક્લાસરૂમ તેમજ 15 અન્ય રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં લાઇબ્રેરી રૂમ, જીમ, કેન્ટીન, સ્ટાફ રૂમ જેવી સુવિધાઓ આવેલી છે.


કાર્યક્રમનાં પ્રારંભે સુરેન્દ્રનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી પી.કે.શાહ દ્વારા સ્વાગત પ્રવચન અને આચાર્યશ્રી આર.બી.પરમાર દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવો તેમજ ઉપસ્થિતજનોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા.


કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સુશ્રી વર્ષાબેન દોશી, અગ્રણી શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ સહિતના અઘિકારીઓ-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.


Comments


bottom of page