top of page

કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાં અઘ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે "વિશ્વાસથી વિકાસ યાત્રા"

Surendranagar News : કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાં અઘ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ યોજાયો


મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોનાં હસ્તે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથો, સખીમંડળોને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું રૂ. 69.40 લાખની આર્થિક સહાય અપાઈ
  • સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રને વરેલી સરકારે સૌનો વિશ્વાસ મેળવ્યો છે: મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

  • આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સખી મંડળ તથા સ્વ સહાય જૂથોની ભૂમિકા અગત્યની છે

  • સરકાર મહિલા ઉત્કર્ષ માટે હર હંમેશ પ્રતિબધ્ધ

  • મહિલાઓને જીવનનાં દરેક તબક્કે મદદરૂપ બનતી વિવિધ યોજનાઓ સરકારે અમલી બનાવી છે

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાં અધ્યક્ષસ્થાને આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, સુરેન્દ્રનગર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનાં સતત અને સંનિષ્ઠ પ્રયાસોનાં પરિણામે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા-માનમાં ભારે વધારો થયો છે.

'સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્રને શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ચરિતાર્થ કર્યું છે અને તેનાં પરિણામે જ તેમને સૌનો વિશ્વાસ પણ સતત મળતો રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ ભારતનાં વડાપ્રધાન તરીકે મહિલાઓ, વંચિતો, ખેડૂતો સહિત તમામ વર્ગોનો સમાન રીતે સમાવેશ થાય તે પ્રકારે વિકાસ કરવાની નીતિ અપનાવી છે. આ દિશામાં સરકારે લીધેલ નક્કર પગલાઓ વિશે વાત કરતા કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર કરી દેશને આત્મનિર્ભર બનાવવો સરકારનું લક્ષ્ય રહ્યું છે.


જેને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુલ 32 જિલ્લાઓમાં સ્વ સહાય જૂથોને ચેક સહિત વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સખી મંડળના બહેનો તથા સ્વ સહાય જૂથોની ભૂમિકા હંમેશાથી અગત્યની રહી છે. સખી મંડળની બહેનોએ સરકારની સહાયનો ઉપયોગ કરી વિવિધ આર્થિક પ્રવૃતિઓ, વિવિધતાસભર ઉત્પાદનો મારફત અર્થતંત્રમાં મોટી ક્રાંતિ લાવી છે. તેમણે આ સખીમંડળોને સતત અપડેટ થતા રહી, નવા-નવા ઉત્પાદનો-ઉત્પાદન પધ્ધતિઓ અપનાવી, નવા ક્ષેત્રોમાં કામગીરી વિસ્તારી સતત વિકાસ કરતા રહેવા અને આગળ વધવા અને એ રીતે દેશને આગળ લઈ જવાની અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મહિલાઓની સ્થિતિ અને વિકાસ અંગે ગુજરાત સરકાર સદાય સંવેદનશીલ તથા ચિંતિત રહી છે. છેલ્લા 20 વર્ષની વિકાસ યાત્રા દરમિયાન મહિલાઓનાં વિકાસ માટે અમલી બનાવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર દિકરીનાં જન્મથી લઈને જીવનનાં વિવિધ તબક્કાઓ દરમિયાન તેમને મદદરૂપ થતી યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારે દિકરીઓનાં શિક્ષણ, પોષણ-આરોગ્ય અને રોજગારીની ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે અલગ-અલગ યોજનાઓ અમલમાં મૂકી છે.મંત્રીશ્રીએ કાર્યક્રમમાં 10 જેટલા સખીમંડળો અને સ્વસહાય જૂથોને આર્થિક સહાયનાં લાભોનું વિતરણ કરવા સાથે ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેરછાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં કુલ રૂ. 69.40 લાખની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ અગાઉ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વીરેન્દ્ર આચાર્યે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળની સરકાર જનસુખાકારી એ જ સર્વપ્રથમનાં મંત્રને વરેલી છે. સરકારે મહિલાઓ અને સ્વસહાય જૂથોનાં સશક્તિકરણ માટે લીધેલા વિવિધ પગલાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્વ સહાય જૂથોને મળતી સહાયની રકમ રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દસાડા તાલુકાના શક્તિ મા સ્વ સહાય જૂથ, સાયલા તાલુકાના એકતા ગ્રામ્ય સખી સંઘ તથા જ્યોતિ ક્લસ્ટર લેવલ ફેડરેશન, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તથા ચુડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાને સારી કામગીરી માટે સન્માનપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામકશ્રી રાજેન્દ્રસિંહ રાયઝાદા દ્વારા કરવામાં આવી હતી તથા આભારવિધિ ઈન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ મકવાણા સહિતનાં અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા સહિતનાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ સખીમંડળના બહેનો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Comments


bottom of page