top of page

‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે "બેટી બચાઓ બેટી પઢાઓ" થીમ પર ઉજવણી કરાઈ

Updated: Aug 3, 2022

Surendranagar News : ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે "બેટી બચાઓ બેટી પઢાઓ" થીમ પર ઉજવણી કરાઈ


કોફી વિથ કલેકટરશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્યક્રમ અંતર્ગત સમાહર્તાશ્રી કેયુર સંપટે ઉપસ્થિત મહિલાઓ સાથે સંવાદ કર્યો

સમગ્ર રાજ્યમાં 1લી ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે જિલ્લા સેવાસદન, સુરેન્દ્રનગર ખાતે "બેટી બચાઓ બેટી પઢાઓ" થીમ પર કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. કોફી વિથ કલેકટરશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી કેયુર સંપટે ઉપસ્થિત મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આપણા ધર્મશાસ્ત્રો અને વેદોમાં નારીને વિશિષ્ઠ સ્થાન મળ્યું છે. સ્ત્રીને શક્તિરૂપા ગણવામાં આવી છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રી પુરુષોનાં ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. એક પણ બાબતમાં તે પુરષ કરતા પાછળ નથી. નારી વંદન ઉત્સવની ઉજવણી નારી શક્તિનાં ગૌરવની ઉજવણી છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે પ્રગતિનો દરેક દરવાજો શિક્ષણ થકી ખુલે છે અને તેથી જ આપણા સમાજમાં મહિલાઓને તેમનાં હકો અને તકો મળી રહે તે માટે દરેક દિકરીને ઉચ્ચ શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે અને આ બાબતે જાગરૂકતા વધારવાનો આ અભિયાનનો ઉદ્દેશ્ય છે.


જિલ્લા સેવા સત્તા કાનૂની મંડળના આર.આર ઝીંબા એ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે વર્ષ 2005માં 'ઘરેલુ હિંસા અધિનિયમ' લાગુ કર્યો છે. તેમણે આ પ્રસંગે મહિલાઓને તેમના હકો અને કાનૂની અધિકારો- ઉપાયો વિશે વિગતવાર જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી મિતા ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓની પ્રેરણાદાયી વાતો કરી હતી. "બેટી બચાઓ બેટી પઢાઓ" બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લાછુંબેન પરમારને નિયુક્ત કર્યા હતા. લાછુંબેને પોતાનાં વક્તવ્યમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓને આગળ આવવા માટે અપીલ કરી હતી.


આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાનાં લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાની વિવિધ સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થામાં રમતગમત ક્ષેત્ર, મેડિકલ, એન્જિનિયરિંગ અને વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એન.મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અજય મોટકા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગોહિલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


શક્તિ મુંધવા


Comentários


bottom of page