top of page

કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે મીડિયા કર્મીઓ માટે 'ચેર યોગ સેશન' કાર્યક્રમ યોજાયો

Surendranagar News : કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે મીડિયા કર્મીઓ માટે 'ચેર યોગ સેશન' કાર્યક્રમ યોજાયો


યોગ કો - ઓર્ડીનેટર શ્રી નીતા દેસાઈ દ્વારા ભાગદોડ ભરી જીવનશૈલીમાં તણાવમુક્તિ માટે યોગનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપવામાં આવ્યું
  • સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મીડિયા કર્મીઓ માટે 'ચેર યોગ સેશન'નું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે માહિતી કચેરી તથા ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કલેકટર કચેરી, સભાખંડ ખાતે મીડિયાકર્મીઓ માટે એક 'ચેર યોગ સેશન'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકારશ્રીઓ તેમજ જિલ્લા માહિતી કચેરીનાં અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


સેશનની શરૂઆતમાં જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરશ્રી નીતાબેન દેસાઈએ આજની ભાગદોડ ભરી જીવનશૈલીનાં કારણે ઉદભવતા તણાવ અને તેની વ્યક્તિનાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરો વિશે વાત કરતા તણાવમુક્તિમાં યોગની ભૂમિકા વિશે વિગતવાર સમજણ આપી હતી.


ન્યૂઝ માટેની સતત ભાગદોડમાં મીડિયાકર્મીઓ સ્વાસ્થ્યની પૂરતી કાળજી લઈ શકતા નથી, જેનાં પરિણામે તેઓ નાની ઉંમરે હદયરોગ, બી.પી. સહિતનાં રોગોનો ભોગ બને છે ત્યારે સ્વસ્થ, નિરોગી અને આનંદી જીવન જીવવામાં યોગની ઉપયોગિતા વિશે વાત કરતા તેમણે પત્રકારોનાં વ્યસ્ત વ્યવસાયિક જીવનમાં કયા પ્રાણાયામો-આસનો, સૂક્ષ્મ ક્રિયાઓ દૈનિક જીવનમાં વણી લેવાથી તેમને વધુ લાભ થઈ શકે તે વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી.

સુશ્રી દેસાઈએ તાડાસન, પર્વતાસન જેવા આસનો, કપાલભાતી, અનુલોમ-વિલોમ, ભ્રામરી જેવા પ્રાણાયામો તેમજ શરીરનાં દુખાવાથી રાહત આપતી સૂક્ષ્મ ક્રિયાઓ સહિતનાં યોગનાં અંગો સમજાવ્યા હતા અને તેમને કરવાની સાચી રીત નિદર્શન સહિત સમજાવી હતી.


આજનાં સમયમાં મીડિયાકર્મી સહિતનાઓનો ઘણો સમય ઓફિસમાં પસાર થાય છે ત્યારે ઓફિસમાં બેઠા-બેઠા તેમજ ઓફિસ વર્ક સ્પેસમાં સરળતાથી કરી શકાય તે પ્રકારનાં આસનો-પ્રાણાયામ અંગે માહિતી આપી નિયમપૂર્વક તેમનો અભ્યાસ કરવા અને બની શકે તો રોજ 45 મિનિટ યોગાભ્યાસ માટે ફાળવવા અને એ રીતે નિરોગી જીવન પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. આ સેશનમાં માહિતી કચેરીનાં સ્ટાફ તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનાં પત્રકારમિત્રો હાજર રહીને ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા



Comments


bottom of page