top of page

સુરેન્દ્રનગર: ચૂંટણી અધિકારી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ

Updated: Nov 8, 2022

સુરેન્દ્રનગર: ચૂંટણી અધિકારી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ


નોડલ અધિકારીશ્રીઓને માઈક્રોપ્લાનિંગ કરી ચૂંટણી સંબંધિત તૈયારીઓ કરવા સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી


ચૂંટણી સંબંધિત તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરતા જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા

  • ચૂંટણી અધિકારી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સમાહર્તાશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમાયેલા ચૂંટણીલક્ષી વિવિધ બાબતોનાં નોડલ અધિકારીશ્રીઓ પાસેથી તેમને સોંપાયેલી કામગીરી અંતર્ગત પૂર્વ તૈયારીઓ અને આયોજનની ઝીણવટભરી વિગતો મેળવતા વિસ્તૃત સમીક્ષા કરી હતી.


આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ ચૂંટણી સ્ટાફનાં ઓર્ડર, રેન્ડમાઈઝેશન, ખાસ મતદાન મથકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી સ્ટાફ મેળવવો, ચૂંટણી સ્ટાફની તાલીમનું આયોજન, ઈવીએમ-વીવીપેટનાં રેન્ડમાઈઝેશન, મટીરીયલ મેનેજમેન્ટ, ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાં વાહનો સહિતનાં સંસાધનો, મીડિયા મોનિટરિંગ અને પ્રચાર-પ્રસિદ્ધિ વગેરે બાબતે સંબંધિત નોડલ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.


ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતા બાબતોની વખતોવખતની સૂચનાઓનું જિલ્લાના તમામ અધિકારીઓ/ કચેરીઓ, ચૂંટણી લડતા ઉમેદવારો, રાજકીય પક્ષો વગેરે દ્વારા ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તેની તકેદારી રાખવા સંદર્ભે એમસીસી નોડલ ઓફિસરને વિગતવાર જાણકારી આપી હતી. મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરતા તેમણે જરૂરી સ્થળોએ પોલિસ બંદોબસ્ત સહિત પોલિસ અને સીઆરપીએફને કામગીરી અંગે બ્રિફિંગ, તાલીમ, રહેવાની વ્યવસ્થા સહિતનાં આયોજન અંગે સૂચના આપી હતી. વધુમાં તેમણે ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન ભારતના ચૂંટણી આયોગના NGR/PGR સિસ્ટમમાં નોંધવામાં આવતી આદર્શ આચારસંહિતાનાં ભંગ સહિતની તમામ પ્રકારની ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે તેની તકેદારી રાખવા વિશે નોડલ ઓફિસર ફરિયાદ નિવારણને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરાંત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તમામ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મતદાર જાગૃતિ સંબંધિત વધુને વધુ સ્વીપ પ્રવૃતિઓ હાથ ધરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. તમામ વર્ગનાં મતદારો મતદાનનો અધિકાર ભોગવી શકે તે માટે તંત્ર દ્વારા અનેક પહેલ કરવામાં આવી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે વિધાનસભા મતદાર વિભાગનાં તમામ મતદાન મથકો ખાતે જરૂરી રેમ્પ, વ્હીલચેર વાહન, મદદનીશ વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા તાકિદ કરી હતી તેમજ સ્થળાંતરિત મતદારો મતદાન કરી શકે તે માટે જોઈતી વ્યવસ્થા ગોઠવવા તેમણે ઉમેર્યું હતું.


સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનાં પ્રથમ તબક્કા અંતર્ગત મતદાન યોજાનાર હોઈ કલેક્ટરશ્રીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનો સઘન અભ્યાસ કરી પોતાને સોંપાયેલી કામગીરીનાં દરેક પાસાને ધ્યાનમાં રાખી બારીક બાબતોનું આયોજન અને પૂર્વ તૈયારીઓ કરવા નોડલ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, અધિક નિવાસી કલેકટરશ્રી દર્શના ભગલાણી, ચૂંટણી મામલતદારશ્રી એન.વી.સોજીત્રા સહિત 18 નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.टिप्पणियां


bottom of page