top of page

સુરેન્દ્રનગર ખાતે સારસ્વત સન્માન તથા મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે સારસ્વત સન્માન તથા મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો


  • શ્રેષ્ઠ કામગીરી કરનારા 22 આચાર્યશ્રી અને 14 શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું

  • શિક્ષકો માત્ર કર્મચારી નથી, રાષ્ટ્રનિર્માણના આધાર સ્તંભ છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થકી દેશના શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે -શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ આચાર્ય તથા શિક્ષકોનો "સારસ્વત સન્માન તથા મોટીવેશનલ કાર્યક્રમ" પંડિત દિન દયાળ ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો.


સમગ્ર પ્રાથમિક શિક્ષણ પરિવાર સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે ચાણક્યની પંક્તિઓ "શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ…." ટાંકતા જણાવ્યું હતું કે દેશના ભાવિ નાગરિકોનું ચારિત્ર્ય ઘડતર કરવાનું, તેઓમાં સંસ્કારનું સિંચન કરવાનું, જ્ઞાનની જયોત પ્રજવલિત કરવાનું ઉમદા કાર્ય શિક્ષકો કરે છે. શિક્ષકો માત્ર કર્મચારી નથી તેઓ રાષ્ટ્રનિર્માણના આધાર સ્તંભ છે. શિક્ષકો બાળકોમાં પડેલી શક્તિઓને બહાર લાવવાનું અને તેમના વિકાસ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડવાનું ઉમદા કાર્ય કરે છે. બાળકો આવતીકાલના ઉત્તમ નાગરિકો બને તેમાં એક શિક્ષકની ખુબ અગત્યની ભૂમિકા રહેલી છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્કીલ બેઝડ એજ્યુકેશન, બેગલેસ એજ્યુકેશન તેમજ વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપવાની રાજ્ય સરકારની નેમ છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થકી દેશના શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા સાથે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં શિક્ષણનો ખૂબ જ અગત્યનો ફાળો છે. તેમણે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય એ દિશામાં કામ કરવા શિક્ષકોને અપીલ કરી હતી.

નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા આયોજિત પોતાની શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન એ આપણો સૌ માટે ગૌરવની વાત છે. શિલ્પી જેમ પથ્થરને કંડારીને ભગવાનની મૂર્તિ બનાવે છે એવી જ રીતે શિક્ષકો બાળકોને તૈયાર કરવા પોતાની આખી જિંદગી સમર્પિત કરી દે છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ થકી શાળાઓમાં નામાંકન દર વધ્યો છે. શાળામાં મેળવેલા શિક્ષણ અને તાલીમ થકી બાળકોનો સર્વાંગી વિકાસ તથા જીવન ઘડતર થાય એ તમામ શિક્ષકો અને વાલીઓ એમ બંનેની જવાબદારી બને છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીસુશ્રી શિલ્પાબેન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્યશ્રી ડૉ.સી.ટી.ટુંડીયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા 22 આચાર્યશ્રી અને 14 શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા પ્રેરક ઉદબોધનો કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી બબુબેન પાંચાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન. બારોટ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.Comments


bottom of page