top of page

રૂરલ સેલ્ફ એમ્પ્લોમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળેલી તાલીમનાં જોરે આત્મનિર્ભર બની

Updated: Jul 21, 2022

Surendranagar News: રૂરલ સેલ્ફ એમ્પ્લોમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળેલી તાલીમનાં જોરે આત્મનિર્ભર બની જીનલ સખીમંડળની બહેનો


કોઈ હાનિકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનાવેલા ઓર્ગેનિક સાબુને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો


પ્રદર્શન મેળા દ્વારા નેચરલ સાબુનું વેચાણ સાથે એડવાન્સ ઓર્ડર મળ્યા

  • સુરેન્દ્નનગર ખાતે યોજાયેલ સખીમેળામાં પ્રથમ વખત પોતાના ઉત્પાદનને લોકો સમક્ષ રજૂ કર્યું ખોડુ ગામનાં જીનલ સખી મંડળએ

  • જીનલ સખી મંડળએ સાબુ બનાવવા અંગેની તાલીમ લીધી હતી

  • હાનિકારક રસાયણ ધરાવતા સાબુનાં બદલે ઓર્ગેનિક સાબુની માંગ ખૂબ સારી

ગ્રામ્ય અને શહેરી સ્તરે સ્વસહાય જૂથોનાં માધ્યમથી આર્થિક ઉપાર્જનની પ્રવૃતિઓમાં સામેલ મહિલાઓને તેમનાં ઉત્પાદનોનાં વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે માટે સરકાર દ્વારા સતત આયોજન કરવામાં આવે છે. હાલમાં જ સરકાર દ્વારા દરેક જિલ્લામાં સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા સ્વસહાય જૂથોને પોતાનાં ઉત્પાદનો વિશાળ જનસમુદાય સમક્ષ પ્રદર્શિત કરવાનો મોકો આ મેળાઓનાં માધ્યમથી મળ્યો. મેળાનાં મેદાન, સુરેન્દ્નનગર ખાતે યોજાયેલ સખીમેળામાં એક એવું સખી મંડળ પણ હતું કે જેમણે પ્રથમ વખત જ પોતાના ઉત્પાદનને લોકો સમક્ષ રજૂ કર્યું હતું. વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામનાં જીનલ સખી મંડળની...


મુક્તાબેન મકવાણાનાં નેતૃત્વ નીચે આ મંડળમાં 10 બહેનો સંકળાયેલા છે. વર્ષ 2021માં

આ જૂથે એસ.બી.આઇ આરસેટી દ્વારા સાબુ બનાવવા અંગેનાં તાલીમ વર્ગમાં ભાગ લઈ સાબુ બનાવવાનું શરૂ કર્યું હતું. મુક્તાબેન જણાવે છે કે હાલનાં સમયમાં ઓર્ગેનિક વસ્તુઓ વાપરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ચામડીને નુકસાન કરતા હાનિકારક રસાયણ ધરાવતા સાબુનાં બદલે ઓર્ગેનિક સાબુની માંગ ખૂબ સારી છે અને મંડળ દ્વારા મિલ્ક પપૈયા સોપ, બ્લુબેરી પપૈયા સોપ, મિલ્ક કોફી સોપ, એલોવેરા સોપ, હલ્દી ચંદન સોપ, નીલ સોપ, ચારકોલ સોપ,ચંદન સોપ જેવા વિવિધ પ્રકારની ફ્લેવર ધરાવતા સાબુ સખીમંડળ દ્વારા બનાવીને વેચાણ કરવામાં આવે છે.

મુક્તાબેને જણાવ્યું કે આ મંડળમાં જોડાયેલા બહેનો પૈકી કોઈ મજૂરી કામ કરે છે, તો કોઈ ખેતીનું કે છૂટક વેચાણનું કાર્ય કરે છે પણ આ પ્રવૃતિઓમાંથી થતી આવક પૂરતી નહોતી. તેથી આ બહેનો આ મંડળ સાથે જોડાઈને સાબુનાં ઉત્પાદન થકી વધારાની આવક રળી રહ્યા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે સખી મંડળને 1 લાખ ની સહાય મળે છે. આ સખી મંડળને ગ્રામ સખી સંગઠન મંડળ તરફથી 70 હજારની સહાય મળી હતી. એ પૈસાનો ઉપયોગ પણ સાબુ બનાવવાની સામગ્રી તેમજ સાધનો ખરીદવા માટે કરી રહ્યા છે. ક્યારેક સખી મંડળની બહેનોને જરૂર પડે તો તેઓ પણ આ ફંડમાંથી રકમ મેળવી શકે છે. કોઈ બહેનોને સિલાઈ મશીન માટે તો કોઈને પોતાના બાળકોને ભણાવવા માટે પૈસાની જરૂર પડી હોય ત્યારે તેમને આપવામાં આવે છે.

મુક્તા બેન વધુમાં જણાવે છે કે જીનલ સખીમંડળનાં બહેનોએ તાલીમ લીધા બાદ વંદે ગુજરાત પ્રદર્શન મેળામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. સાત દિવસના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાનાં ઘણા બધા મુલાકાતીઓએ એ સ્ટોલની મુલાકાત લીધેલી. આ સાબુમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી થતો તે જાણીને ઘણા બધા મુલાકાતીઓએ સાબુની ખરીદી કરી હતી. મેળા દરમિયાન અંદાજિત 150 થી વધુ સાબુ વેચી 5000થી વધુની આવક થઈ હતી.


મુક્તાબેન હર્ષ સાથે જણાવે છે કે ઘણા બધા એવા મુલાકાતીઓ રહ્યા કે જેમણે અમને સાબુ બનાવવા માટે ઓર્ડર નોંધાવ્યા છે. ખાસ કરીને હલ્દી ચંદન, ચારકોલ, મુલતાની માટી વગેરે જેવા સાબુનું વધારે વેચાણ થયું હતું. આ સાબુની કિંમત રૂ.35 થી રૂ.50 સુધીની છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં હોટલોમાં જે સાબુ વપરાય છે તે સાબુ માટે પણ અમને ઓર્ડર મળ્યો હતો. જીનલ સખીમંડળનાં બહેનો આનંદ વ્યક્ત કર્યો કે વંદે ગુજરાત પ્રદર્શન મેળાના આયોજનથી અમને અમારા ઉત્પાદનો માટે ખૂબ સરસ પ્લેટફોર્મ અને નવો અનુભવ મળી રહ્યો છે, જે આગળ જતા અમારા ધંધાને વિકસાવવા માટે અમને ઘણો ઉપયોગી બની રહેશે.

(બોક્સ) કોઈ હાનિકારક રસાયણો વગર બનાવે છે સાબુ


સાબુ બનાવવા માટે કાચા મટીરીયલ તરીકે સાબુનો બેઈઝ, પાણી, જે ફ્લેવરનો સાબુ બનાવવો હોય એ અનુસાર એલોવેરા, મધ અને ગુલાબ જળ, સુગંધ માટે પર્ફ્યુમ તથા રંગીન સાબુ બનાવવા માટે રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આકારમાં ઢાળવા માટે બીબાનો, કાચા મટીરીયલને પાકુ બનાવવા માટે પાણી તપેલી તથા ચમચાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 15 થી 20 મિનિટ સુધી પાણીમાં સાબુનું રો-મટીરીયલ ઉકાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે ફ્લેવરનો સાબુ બનાવવાનું હોય તે ફ્લેવર અને જે રંગનો સાબુ બનાવવાનો હોય તે રંગ ઉમેરવામાં આવે છે. પછી એ કાચા મટીરીયલને બીબામાં ઢાળી દેવામાં આવે છે. થોડોક સમય પછી બીબાને ચેક કરવામાં આવે છે. જો મટીરિયલ સુકાયેલું હોય અને ચિકાશ ન જણાય તો તેમાંથી સાબુ કાઢી લેવામાં આવે છે અને પછી મશીન દ્વારા સાબુનું પેકિંગ કરવામાં આવે છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Comments


bottom of page