top of page

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક

Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


દરેક નોડલ અધિકારીશ્રી પાસેથી સંબંધિત બાબતોની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન-સૂચનો આપ્યા

  • જિલ્લાના 18 નોડલ અધિકારી સાથે કલેકટરની સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તા.01 ડિસેમ્બર, 2022નાં રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોજાય તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સમાહર્તાશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમાયેલા ચૂંટણીલક્ષી વિવિધ બાબતોનાં 18 જેટલા નોડલ અધિકારીશ્રીઓ પાસેથી અત્યાર સુધીની કામગીરી અને મતદાનનાં દિવસ સહિતનાં આયોજન વિશે ઝીણવટભરી વિગતો મેળવતા વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર હોઈ ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર દરેક નોડલ અધિકારીશ્રીઓને પોતાને સોંપાયેલી કામગીરીનાં દરેક પાસાને ધ્યાનમાં રાખી બારીક બાબતોનું આયોજન કરવા સૂચના આપી હતી.


વધુમાં તેમણે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યાર આદર્શ આચારસંહિતા ભંગ સહિતની તમામ પ્રકારની ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ થતો રહે તેની તકેદારી રાખવા સૂચના આપી હતી. આ ઉપરાંત, સમગ્ર ચૂંટણી જેનાં પર આધારિત છે મતદાનની ટકાવારી વધે તે માટે આ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જિલ્લાનાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે દિશાનાં પ્રયાસો અતિ આવશ્યક હોવાથી મતદાર જાગૃતિ સંબંધિત બાબતોનો મહત્તમ બાબતોનો પ્રચાર પ્રસાર થાય અને વધુને વધુ સ્વીપ પ્રવૃતિઓ હાથ ધરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.તમામ વર્ગનાં મતદારો મતદાનનો અધિકાર ભોગવી શકે તે માટે તંત્ર દ્વારા અનેક પહેલ કરવામાં આવી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાનાં દિવ્યાંગ મતદારો માટે વિધાનસભા મતદાર વિભાગનાં તમામ મતદાન મથકો ખાતે પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકિદ કરી હતી તેમજ સ્થળાંતરિત મતદારો મતદાન કરી શકે તે માટે જોઈતી વ્યવસ્થા ગોઠવવા તેમણે ઉમેર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, અધિક નિવાસી કલેકટરશ્રી દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.કે. મજેતર, ચૂંટણી મામલતદારશ્રી એન.વી. સોજીત્રા સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Comments


bottom of page