top of page

ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પ

ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો


  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી ફ્રી વેક્સીન, ફ્રી રાશન અને ફ્રી સારવારની મદદથી બહાર આવ્યા -મુખ્યમંત્રીશ્રી

  • પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે વાવેતરથી વેચાણ સુધીના સ્તરે ખેડૂતોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે -મુખ્યમંત્રીશ્રી

  • દેશ અને સમાજને મુશ્કેલી સમયે મદદ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાય હર હંમેશ સરકારની સાથે રહ્યો છે -મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.


આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી આપણે ફ્રી વેક્સીન, ફ્રી રાશન અને ફ્રી સારવારની મદદથી બહાર આવ્યા છીએ. જન સ્વાસ્થ્ય માટે સદાય ચિંતિત વડાપ્રધાનશ્રી આવનારી મુશ્કેલીઓને પારખી તેમને નિવારવા માટે ઉપાય સુચવતા હોય છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, બદલાયેલી જીવનશૈલીના કારણે વર્તમાન સમયમાં પ્રમાણમાં નાની ઉંમરે લોકો બી.પી., ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનો ભોગ બની રહ્યા છે અને ખેતીમાં રસાયણોનો વધુ પડતો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય અને જમીનની ગુણવત્તા પર હાનિકારક અસરો નિપજાવી રહ્યો છે ત્યારે આ જોખમને નિવારવા પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકાર વધુ ને વધુ લોકો પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં કામગીરી કરી રહી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, તેના લાભો વિશે જાગૃતિ વધે, તેના ઉત્પાદનનું સારામાં સારું વળતર મળે તે માટે વાવેતરથી પેકેજીંગ અને વેચાણ સુધીના સ્તરે ખેડૂતોને માર્ગદર્શન અને સહાય પુરા પાડવામાં આવી રહ્યા છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે લાંબા ગાળે ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ખૂબ લાભદાયક નીવડશે.


ખાન-પાનની ખોટી આદતો અને તેની વિપરીત અસરો વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આહારમાં રાગી, જવ, બાજરો જેવા બરછટ ધાન્યોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉપકારક છે અને તેને ધ્યાનમાં રાખી સંયુકત રાષ્ટ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-2023ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' એટલે કે 'આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ' તરીકે ઉજવવાના પ્રસ્તાવને વિશ્વભરના 70થી વધુ દેશોએ સમર્થન આપ્યું છે. જે વડાપ્રધાનશ્રીની લોકપ્રિયતા અને દુરંદેશીના દર્શન કરાવે છે.

સામાજિક ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયની કામગીરી અને પ્રદાનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની આફત, મુશ્કેલી સમયે દેશ અને સમાજને મદદ કરવામાં સંપ્રદાય હર હંમેશ સરકારની સાથે રહ્યો છે. 100 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયે આસપાસના વિસ્તારના નાગરિકો માટે તે આશીર્વાદરૂપ બની રહેશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


આ પ્રસંગે સંસ્કારધામના સ્વામી રામકૃષ્ણ દાસજીએ આશીર્વચન પાઠવીને અંદાજીત રૂ.20 કરોડના ખર્ચે 44 હજાર ચો.ફૂટના વિસ્તારમાં આકાર પામનાર 100 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો.

આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે હોસ્પિટલના નિર્માણ માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, આઈ.કે.જાડેજા અને દસક્રોઈ ધારાસભ્યશ્રી બાબુલાલ જમનાદાસ પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.


આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, લિંબડી ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, પૂર્વ ધારાસભ્યશ્રી પરષોત્તમ સાબરીયા, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, ધીરુભાઈ સિંધવ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.


Comentários


bottom of page