top of page

સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે એવોર્ડ ટુ ગુડ સમરીટન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે એવોર્ડ ટુ ગુડ સમરીટન કાર્યક્રમ યોજાયો


  • માર્ગ સલામતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પાંચ વ્યક્તિઓનું સન્માન કરાયું

માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં પહોચાડનાર પરોપકારી/મદદગાર વ્યક્તિઓને એવાર્ડ ટુ ગુડ સમરીટનથી સન્માનિત કરવા માટેની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલી છે. જે અન્વયે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી સમિતી ખંડ, ગાંધીનગર ખાતેથી સ્કીમ ઓફ એવાર્ડ ટુ ગુડ સમરીટનનું રીલોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. આ શ્રેણીમાં સુરેન્દ્રનગરમાં પણ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.


ગુડ સમરિટન એવોર્ડ અંગેની જાણકારી આપતાં જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં વ્યક્તિઓને પ્રથમ કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થનાર વ્યક્તિ એટલે કે ગુડ સમરિટનને રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે. માર્ગ અકસ્માતમાં પીડિતોને મદદરૂપ થનાર ગુડ સમરિટનને રૂ.પાંચ હજારનો રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારને રાષ્ટ્રીય કક્ષાએ રૂ.1 લાખ પુરસ્કાર માટે પણ પસંદગીની તક મળશે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોતાની જાનનાં ભોગે કે પોતાના કામના ભોગે જે વ્યક્તિ બચાવ કાર્ય કરે છે તેને સમરિટન કહેવાય છે. દરેક લોકોએ અકસ્માતમાં મદદની ભાવના કેળવવી જોઈએ તેમજ અકસ્માત ન થાય તેની તકેદારી પણ રાખવી જોઈએ.


પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાતે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તે માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે. લોકોમાં સ્વ શિસ્ત, ટ્રાફિકની સેન્સ અને રોડ સેફ્ટીના નિયમો અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઇજા પામતા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદરૂપ થવા માટે સૌએ માનવીય અભિગમ દાખવીને મદદ કરવી જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને કરાવીએ. જેના થકી જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરી શકાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકાય.


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત પોલીસની માર્ગ સલામતી અને ટ્રાફિક સમસ્યા અંગેની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સમયસરની સારવાર માટે મદદરૂપ થનાર પાંચ વ્યક્તિઓનું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણી, દસાડા ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટરસુશ્રી દર્શના ભગલાણી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એમ.જાડેજા, એ.આર.ટી.ઓ શ્રી પ્રકાશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


Comments


bottom of page